મેઘધનુષ્યના રંગોની ઉજાણી



હવે તો જીવન અસ્ત થવાનો સમય નજીક આવી રહ્યો હતો. જેમ સૂર્યાસ્ત થતા પંછી ઘરે જવા નીકળી પડે છે એમ જીવન જીવાઈ જતા આ સૃષ્ટિ છોડીને જવાની ઈચ્છા ઘણા માનવીઓને પણ થતી હોય છે. સરસ હવા ઉજાસ વાળા રૂમ માં દાદીમાં પુસ્તક વાંચી રહ્યા હતા,ત્યાં દોડતી દોડતી નાનકડી અવની દાદી પાસે આવી પલંગ પર બેસી જાય છે. તે 10 વર્ષની હશે પણ દાદીમાની બહુ લાડકી. દાદીમાં તેનું સ્કૂલબેગ ઉતારી સાઈડમાં મૂકે છે ત્યાં સુધીમાં તો અવનીના હાથમાં એ પુસ્તક આવી જાય છે જે દાદીમાં વાંચી રહ્યા હતા. કદાચ દાદીમાં એ જ અવનીમાં વાંચવાની આદત પાડેલ. નાની ઉંમરે જ તે ઘણું વાંચી લેતી અને દાદીમાં ને સવાલ પૂછ્યા કરતી. પોતાની ઉંમર કરતા વધુ પરિપક્વ બની ગયેલ. પુસ્તકોની દુનિયામાં વિચરણ કરવું તેનું મનગમતું કામ હતું. તે પુસ્તકના પત્તા ઉલટાવતી હતી અને સ્કૂલની બધી વાતો કરતી હતી.

"ખબર બા આજે અમે સ્કૂલમાં રૈન બો જોયો અને એ પણ બે બે, તમને ખબર છે રૈન બો કેમ બને? મને તો બહુ મજા આવી જોવામાં.વરસાદના કારણે માટીની મસ્ત સુગંધ આવતી હતી અને પછી સ્વચ્છ આકાશમાં રૈન બો..વાઉ!!!"...

પહેલા તો દાદીમાં ને ખબર ના પડી કે અવની શેના વિશે વાત કરે છે પણ પછી ખ્યાલ આવી ગયો કે તે મેઘધનુષ્યની વાત કરે છે. અવની બધું બોલી રહી પછી દાદીમાં બોલ્યા, જો આમ આવ તો મારી દીકરી તને આજ એક સરસ વાત કહું, તે મેઘધનુષ્ય જોયુને, વિવિધ રંગોથી બનેલ મેઘધનુષ્ય તે એક ખૂબ સરસ પ્રેરક છે ખબર તને?

"પ્રેરક બા? એ રંગોની પણ કોઈ વાર્તા છે? મને તો રૈન બો નો બ્લ્યુ કલર સૌથી વધુ ગમ્યો હો, તમને એમના કયો કલર ગમે? "

બેટા, મને તો બધા રંગો ગમે,બધા રંગોની પોતપોતાની વિશેષતા છે.મારુ અને તારા દાદાનું જીવન પણ મેઘધનુષ્યના રંગોથી રંગેલ હતું.તને ખબર છે કોઈ પણ સંબંધમાં વિવિધ રંગો હોવા જોઈએ તો એ સુંદર બની રહે, સાર્થક બની રહે. જ્યાં માણસ ને ખીલવાનો અવકાશ મળી રહે ત્યાં તે વધુ મધુરતા લાવી શકે. 

અવની ગાલે હાથ રાખી ધ્યાનથી બધું સાંભળતી હતી.પણ તેને સવાલ પણ ખૂબ થતા તો તે દાદીમાની વાત વચ્ચે જ કાપીને સવાલ પૂછી લેતી.તેને વિશ્વાસ હોતો દાદીમાં પાસે તેના બધા સવાલો નો સંતોષકારક જવાબ મળી રહેશે.

તો બા ,સંબંધમાં આ અલગ અલગ રંગો કેવી રીતે ભરી શકાય? તમે શું કરેલ?

જો તું મોટી થઈશ ને એટલે આ બધું કામ લાગશે તને હો તો ધ્યાનથી સાંભળજે. તારા સબંધો ને તરોતાજા રાખવા તારે મહેનત તો કરવી પડે ને? સંબંધ બાંધવો મુશ્કેલ નથી, ટકાવવી રાખવો મુશ્કેલ છે ,તેના માટે જતન કરવું પડે.વિવિધ રંગો ભરવા એટલે તમારા સાથી સાથે મિત્ર બનીને રહેવું.તું જો તારી ફ્રેન્ડ્સ સાથે કેટલી સહજ હોય છે? તેમની સાથે હસી શકે, રડી શકે, ગુસ્સે થઈ શકે, નારાજ થઈ શકે, ખિજાઈ શકે, પરવાહ કરી શકે, રમી શકે, ફરી શકે, શાંતી થી બેસી શકે ,તેમના માટે લડી શકે, દુઃખી હોય તો સાંભળી શકે અને સંભાળી પણ શકે, હક જમાવી શકે, વહાલ કરી શકે, પોતાના મન ને તેની સામે ઠાલવી શકે, સલાહ આપી શકે ને લઈ શકે, સમજી શકે અને ના સમજે તો પણ સાથ ન છોડે, જેની સાથે વાત કરી તું ખિલખિલાટ કરી શકે, ચહેરો જોઈ જ તેના મન ની વાત જાણી શકે, આગળ ધપવા મદદ કરી શકે કે ધક્કો મારી શકે, નાની નાની પસંદ- નાપસંદનું ધ્યાન રાખે આમ વિવિધ રંગોથી તમારી મિત્રતા ગાઢ બનતી જાય.એવી જ રીતે તું તારા જીવનસાથી સાથે મિત્રતા કેળવજે,મિત્રતા ના આધારે સુદ્રઢ સબંધ તારા જીવનને ઉજાણી બનાવી દેશે.

બા, હું અને મારા ફ્રેન્ડ્સ ઝઘડો પણ કરીએ અને અમે કિટ્ટી પણ થઈ જઈએ,મને નથી ગમતું કિટ્ટી થવું પણ આ પણ એક રંગ કહેવાય?

હા જ ને, ભલે તમે ઝગડા કરો છો,પણ તમને એકબીજાને બોલાવ્યા વગર પણ નથી ચાલતું ને. થોડીવાર માં તો બધું ભૂલીને પાછા સાથે થઈ જ જાઓ છો હેને? આવી જ રીતે આપણા નજીક હોય એ લોકો સાથે આપણે ક્યારેક ઝગડીએ પણ ખરા, મનમાં વંટોળ પણ ફૂંકાય જાય પણ તારે હંમેશા યાદ રાખવાનું ભગવાને આપણને આખી દુનિયાના બધા લોકોમાંથી બહુ ઓછા લોકોને આપણા જીવનમાં મોકલ્યા છે તો એમને કોઈ નાના મોટા મનમોટાવથી દૂર ન કરી દઈએ, એતો સૌથી મોંઘી ગિફ્ટ કહેવાય બેટા ,સાચવીને રાખવાના કારણકે જો હવે મારી ઉંમર થઈ, હું પાછું વળીને જોઉં ત્યારે મને મારા પર ગર્વ થાય એવા સબંધો મેં બનાવેલ છે,ટકાવેલ છે અને તારા દાદા સાથેનો આત્મીયતા ભર્યો ,મેઘધનુષ્યના રંગોથી ખીલેલો સબંધ મને હંમેશા સંતોષ અને શાંતી આપે છે.

અવની દાદીમાના ચહેરા પરનું ઓજસ,પરિપક્વતા, સંતોષ ને જોઈને વિચારે છે કે બા નું મુખ સાત કરતા પણ વધુ રંગોથી રંગાયેલા એમના જીવનની પ્રતીતિ કરાવે છે.

સમાપ્ત.


Comments

You are welcome to share your ideas with us in comments !

Archive

Contact Form

Send